Sunday, February 27, 2011

ગિરનારનો રોપ-વે આ પવિત્ર તીર્થને બદનામ હિલ સ્ટેશનમાં ફેરવી નાંખશે



ગિરનારનો રોપ-વે આ પવિત્ર તીર્થને બદનામ હિલ સ્ટેશનમાં ફેરવી નાંખશે
હોટલાઇન - ભાલચંદ્ર જાની


ગિરનારમાં રોપ-વે બાંધવાની કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ એટલે ગુજરાતીઓ બધા બહુ હરખાયા. પરંતુ કેટલાક એવા બુઘ્ધિજીવીઓ પણ છે જેને રોપ-વે બંધાયા પછી ગિરનાર તીર્થધામ પર આફત આવશે તેવી ભીતિ છે. તેઓની દલીલ એવી છે કે યાત્રાધામો સુધી પહોંચવાના રસ્તાઓ કઠિન હોય તો કશું ખોટું નથી. ત્યાં સુધી પહોંચવાના રસ્તાઓ જો સરળ કરી નાખીશું તો યાત્રાનું મહત્વ શું રહેશે ?
યાત્રાધામો સુધી પહોંચવાનું કઠિન હોય તો તે ખાસ વાંધાજનક ન ગણાવું જોઇએ એવા મત સાથે હરકોઇ સંમંત થશે. આમેય પિકનિક સ્થળો અને યાત્રાધામો એ બેમાં ફરક છે, એટલું જ નહીં, યાત્રાધામોની પવિત્રતા, માનમોભો અને પર્યાવરણ સામે પણ પ્રશ્રો ઊભા થયા છે અને થશે. અહીં વાત કરવી છે યાત્રાધામ ગિરનાર ઉપર થનારા રોપ-વેની.


ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર રોપવે પ્રોજેક્ટને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ગયા સપ્તાહે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ભવનાથ તળેટીથી અંબાજી શિખર સુધીના રોપવે પ્રોજેક્ટને કેન્દ્રે છ શરતોને આધિન મંજૂરી આપી છે, જેમાં બે ટાવરની ઊંચાઈમાં વધારો, પર્યાવરણ જાળવણીની પ્રવૃત્તિ માટે ટિકિટ પર સેસ જેવી શરતો સામેલ છે. ગુજરાતભરમાંથી દરવર્ષે લાખોની સંખ્યામાં પવિત્ર ગિરનાર પર્વતની યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓને રોપવેના કારણે ભારે રાહત મળશે. લગભગ એક વર્ષથી રોપવે પ્રોજેક્ટની ફાઇલ ઘૂળ ખાતી હતી, આખરે સરકારે પર્યાવરણવિદોએ રજૂ કરેલા તમામ વાંધા નકારી પ્રોજેક્ટને મંજૂરી આપી છે.


સપ્ટેમ્બર ૧૯૯૯થી અનિશ્ચિતતાઓમાં લટકી રહેલો ગીરનાર રોપવે પ્રોજેક્ટ હવે નવા વિવાદમાં સપડાયો છે. પર્યાવરણવિદો વન્ય જીવોના અસ્તિત્વને નુકસાન પહોંચશે એવા કારણોસર આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા. પર્યાવરણ પ્રધાન જયરામ રમેશે રોપવે પ્રોજેક્ટ બાંધવા માટેના મજબુત કારણો હોવાનું નોંધતા જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે માનવ-પ્રાણીઓ વચ્ચે ઓછામાં ઓછું ઘર્ષણ સર્જાશે, તથા તેના કારણે યાત્રાધામની મુલાકાત લેતા હજારો લોકોની સુવિધામાં વધારો થશે.


ગુજરાત રાજય સરકારે ૧૯૯૫થી ૨૦૦૮ના ૧૩ વર્ષના સમયગાળામાં રોપ-વે પૂરો કરી નાખ્યો હોત તો કેન્દ્રની મંજૂરીની કોઈ જરૂરત જ ન્હોતી, પરંતુ મે-૨૦૦૮માં ગિરનાર જંગલને વાઈલ્ડલાઈફ સેન્કચ્યુરી જાહેર કરાતાં જ વાત ટલ્લે ચડી હતી. અહીં રોપ-વે બનવાથી લુપ્ત થતી જતી ગિરનારી ગીધની પ્રજાતિ પર ખતરો આવી શકે તેવો નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડ લાઈફનો અભિપ્રાય હતો. અલબત્ત, કેન્દ્રીય મંત્રાલયે કેટલીક શરતો મૂકી છે. રાજય સરકારે રોપ-વેના વૈકલ્પિક એલાઈનમેન્ટ માટે અભ્યાસ કરાવીને બને ત્યાં સુધી તેને દાતાર - ભેસાણ તરફ રાખી ગીધોના માળા તથા હેરફેરના મુખ્ય સ્થળમાં બાધારૂપ ન બને તે જોવાનું રહેશે, તથા બે મહિનામાં રીપોર્ટ આપી દેવાનો રહેશે. નેશનલ બોર્ડ ઓફ વાઈલ્ડ લાઈફના તજજ્ઞોથી માંડીને કેન્દ્રીય મંત્રી સુધીનાઓની વખતોવખતની મુલાકાતો, જાત નિરીક્ષણ બાદ સરકારે કેટલીક શરતો સાથે આ પ્રોજેકટને લીલીઝંડી આપી છે.


ભારતભરમાં યાત્રાધામોમાંના એક અતિ પ્રાચીન એવા ગિરનાર તીર્થ પર યાત્રાધામના કહેવાતા વિકાસ માટેનાં પગલાં લેવાનું ગુજરાત સરકારે આક્રમક અને સક્રિય રીતે શરૂ કર્યું છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનું ગઠન થયેલું છે.ગુજરાતનાં મુખ્ય યાત્રાધામો અંબાજી, દ્વારકા, સોમનાથ, પાલિતાણા, ગિરનાર અને ડાકોરના સર્વાંગી વિકાસ અને પવિત્રતાના પર્યાવરણીય પ્રભુત્વની સ્થાપના માટેનું આયોજન મૂર્તિમંત કરવા માટે યાત્રાધામ વિકાસ બોર્ડને વૈધાનિક સ્વરૂપ આપી, કાર્યરત બનાવવાની જરૂરિયાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે.


યાત્રાધામોનો વિકાસ થાય એની સામે કશો વાંધો હોઇ ન શકે. પરંતુ વિકાસને નામે ટુરીઝમ ફૂલેફાલે અન યાત્રાધામની પવિત્રતા અને ધાર્મિકતાને અસર થાય તો તેનો આકરો વિરોધ થવો જ જોઇએ. રોપ-વે (ગુજરાતીમાં ઘણા તેને ઉડનખટોલા કહે છે) વિકાસનું એક લોભામણું પ્રલોભન છે. ગુજરાતમાં આ પહેલાં પાવાગઢ(૧૯૮૬)માં અને અંબાજીમાં (૧૯૯૮માં) રોપ-વેની સુવિધા હતી અને હવે ગિરનારમાં રોપ-વેનાં પડઘમ વાગી રહ્યાં છે. ગિરનારમાં ૨૧૨૦ મીટર લાંબો રોપ-વે થવાનો છે. રોપ-વેની તરફેણમાં સરકારી દલીલો છે કે ગિરનાર પર અત્યારે લોકોને પાંચ હજાર પગથિયાં ચડીને જવું પડે છે. કુલ મળીને તો ભાવિકોએ ૯૯૯૯ પગથિયાં ચઢવા પડે છે. તે અંતર રોપ-વે આવવાથી મિનિટોમાં અને થાક્યા વગર પૂરૂં કરી શકાશે. ઉપરાંત વૃદ્ધ અને અશક્ત ભક્તો ડોળીવાળાને ૨૦૦૦ થી ૨૫૦૦ રૂપિયા જેવી રકમ નથી આપી શકતા તે લોકો હવે રોપ-વે દ્વારા ઓછે ખર્ચે યાત્રા કરી શકશે. વળી, જે લોકો ગિરનાર પર અવારનવાર આવે છે (અગિયારસે, પૂનમે) તેવા યાત્રિકોનાં સમય અને શક્તિનો વ્યય થતો બચશે.


બીજી દલીલ એવી થાય છે કે રોપ-વે થવાથી સહેલાણીઓનો ગિરનારની મુલાકાતનો પ્રવાહ વધશે. આજે ગિરનાર પર્વત ચડી શકે તેવા દસથી બાર લાખ યાત્રાળુઓ પ્રતિવર્ષ ગિરનાર અને જૂનાગઢ શહેરની મુલાકાતે આવે છે, જેના પર લોકોનો વેપાર અને રોજગાર નભે છે. રોપ-વે થવાથી યાત્રાળુઓનું પ્રમાણ બમણાથી પણ વધશે. આથી આર્થિક રીતે પછાત ગણાતા જૂનાગઢ શહેરમાં ધંધોરોજગારનો સારો એવો વિકાસ થશે.


આ પ્રકારની કેટલીય દલીલોની સુંદર જાળ ગૂંથીને રાજકારણીઓ અને વેપારી પેઢીઓ દ્વારા રોપ-વેનો સુંદર પ્રચાર કરવામાં આવે છે. વર્તમાનપત્રોમાં અવારનવાર રોપ-વે તો જાણે જૂનાગઢનો પ્રાણપ્રશ્ર હોય તેમ તે અંગેની માંગણીઓ દોહરાવવામાં આવે છે. રોપ-વેને વિકાસનું એક લોભામણું પ્રલોભન બનાવવાની કોશિશ કરવામાં આવી રહી છે અને તેનાં સૂચિત ફળ ખાવા અનેક સ્થાપિત હિતો મોં ઉઘાડીને બેઠાં છે.


ખરેખર તો રોપ-વે માટેની દલીલો પોકળ છે. રોપ-વે થવાથી આર્થિક વિકાસ થશે ત્યારે થશે, પણ ડોળીવાળાના ધંધા પર જરૂર ફટકો પડશે. તેઓ લગભગ બેકાર બની જશે. વળી રોપ-વે થવાથી સાચા યાત્રાળુઓ કરતાં સહેલાણીઓ બમણા થશે. પ્રવાસીઓ અને યાત્રાળુઓ વચ્ચે ફરક હોય છે. યાત્રાધામોને પ્રવાસસ્થળો કે પિકનિક સ્પોટ બનાવતાં પહેલાં લાખ વખત વિચારવું જોઇએ. રોપ-વે થાય એટલે પિકનિકોનાં દ્વાર ખુલી જાય.


અંબાજી રોપ-વેનો તો ઘણાં કારણોથી અત્યારે વિરોધ થઇ રહ્યો છે. એક દેનિકના અહેવાલ પ્રમાણે,‘‘ અંબાજી ગબ્બર પર્વતની જાતતપાસ કરતાં પ્રજાની અનેક સમસ્યાઓ પ્રકાશમાં આવી છે. ઉડન ખટોલાના સંચાલક તેમજ સિક્યોરિટી દ્વારા પ્રજા પાસેથી એક વ્યક્તિદીઠ ૨૫ રૂપિયા ધાર્મિક સ્થાને લેવામાં આવે છે.સિક્યોરિટી દ્વારા પ્રજા પાસે અવ્યાવાહરિક તેમ જ તોછડાઇભર્યું વર્તન કરવામાં આવે છે. આ ઉડન ખટોલામાં બેસનારા યાત્રાળુઓને માતાજીની ગાદી, માતાજીનો હીંચકો, શેષનાગની ગુફા જેવાં ધાર્મિક સ્થળોનો લાભ મળી શકતો નથી. આ ઉડન ખટોલાનો લાભ ગરીબ અને મઘ્યમ વર્ગના લોકો મેળવી શકતા નથી અને આનો લાભ પૈસાપાત્ર વર્ગ જ લઇ શકે છે.


આપણા પૂર્વજોએ અનેક તીર્થોની સ્થાપના પર્વતોનાં શિખરો ઉપર કરી તેની પાછળ પણ એક લોજિક કામ કરી રહ્યું છે. તેમની યુક્તિ એવી હતી કે પવિત્ર તીર્થો સુધી પહોંચવાનો માર્ગ જો અઘરો હોય તો ખરેખરો ભક્તિભાવ ધરાવનાર લોકો જ ત્યાં સુધી પહોંચી શકે અને તીર્થનું વાતાવરણ બગડે નહિ. જે ગિરિમથકોનંુ વાતાવરણ આઘ્યાત્મિક સાધના માટે ઉત્તમ માનવામાં આવ્યું છે ત્યાં તમામ કામોત્તેજક પરિબળો પણ હાજરાહજૂર હોય છે. ગિરિમથક સુધી પહોંચવાનો માર્ગ જો સરળ અને આસાન બનાવવામાં આવે તો ધર્મપ્રેમીઓને બદલે ભોગસુખના રસિયાઓનો ધસારો ત્યાં વધી જાય અને આઘ્યાત્મિક શાંતિનું વાતાવરણ ડહોળાઈ જાય. આજે પણ પહાડ ઉપર આવેલાં જે તીર્થો સુધી પહોંચવા માટે રોડની સુવિધા ઉપલબ્ધ છે તેનું વાતાવરણ તપાસીએ એટલે ઉપરની વાતની ખાતરી થઈ જાય છે.રોપવેની યોજના તો રોડ કરતાં પણ વઘુ હાનિકારક છે કારણ કે તે પહાડની ટોચ ઉપર પહોંચવા માટેનો સૌથી આસાન તરીકો છે.


ભારતભરનાં તીર્થસ્થળોનો ઇતિહાસ કહે છે કે જે તીર્થો સુધી પહોંચવા માટે રોડ અથવા રોપવેની સગવડ કરવામાં આવી તેની પવિત્રતા નાશ થઈ છે. ગુજરાતની સરહદે આવેલું માઉન્ટ આબુ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. જે પહાડ ઉપર વૈદિક અને જૈન ધર્મનાં (દેલવાડા) ભવ્ય મંદિરો અને આશ્રમો આવેલાં છે એ આજે વ્યભિચારના અડ્ડા જેવો બની ગયો છે. માઉન્ટ આબુમાં દારૂ બહુ છૂટથી મળે છે અને અમુક ગેસ્ટ હાઉસો કોલગર્લ સપ્લાય કરવાનો ધંધો કરે છે. મુંબઈ, વડોદરા અને અમદાવાદથી હાઈ સોસાયટીની કોલગર્લ્સને લઈ શ્રીમંતોના નબીરાઓ અહીં આવે છે અને દારૂની જયાફતો ઉડાવે છે. ગુજરાતમાં પહાડની ઊંચાઈએ આવેલું અંબાજી પણ આજે વેશ્યાઓનું ધામ બની ગયું છે. તેની સરખામણીએ જ્યાં પહોંચવું આજે પણ કઠિન છે તેવાં જૂનાગઢ, શત્રુંજય, બદરીનાથ, કેદારનાથ, સમ્મેતશિખર વગેરે પહાડી તીર્થો આજે પણ દૂષણરહિત રહ્યાં છે. રોપવે જેવાં સાધનો વડે શહેરી જીવનનાં તમામ દૂષણો એક જ મિનિટમાં આ પવિત્ર તીર્થ સુધી પહોંચી જઈ શકે છે.


મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગઢના જે કિલ્લા ઉપર હતી ત્યાં રોપવે બાંધવાની એક યોજના મહારાષ્ટ્ર સરકારે સાડાપાંચ કરોડ રૂપિયાને ખર્ચે તૈયાર કરી છે. થોડા સમય અગાઉ શરદ પવાર આ યોજનાનું ઉદ્ઘાટન કરવાના હતા પણ શિવભક્તોના વિરોધને કારણે તેમણે આ કાર્યક્રમ મોકૂફ રાખવાની ફરજ પડી હતી. રાયગઢના સૂચિત રોપવેનો વિરોધ અખિલ મહારાષ્ટ્ર ગિરિઆરોહણ મહાસંઘ નામની સંસ્થા દ્વારા થઈ રહ્યો છે. આ યોજનાના વિરોધીઓ કહે છે કે રાયગઢ ઉપર જો રોપવે આવશે તો શિવાજી મહારાજની આ રાજધાની કૂટણખાનામાં ફેરવાઈ જશે.


રાયગઢ ઉપર રોપવે બાંધવાની યોજનાનો વિરોધ કરી રહેલા લોકો આ માટે સિંહગઢનું ઉદાહરણ આપે છે. આ પ્રાચીન કિલ્લામાં છેક ઉપર સુધી વાહન લઈ જવાની સુવિધા થઈ તે પછી ત્યાં દારૂ અને વેશ્યાઓનાં અનિષ્ટો વધી રહ્યા છે. રાયગઢ ઉપર જો રોપવે આવશે તો તેના હાલ પણ સિંહગઢ જેવા થશે તેવો તેમને ડર છે. છત્રપતિ શિવાજી મહારાજે પોતાની રાજધાની તરીકે રાયગઢનો કિલ્લો પસંદ કર્યો તેનું કારણ તેની દુર્ગમતા હતી. હવે આ કિલ્લાને જો સુગમ બનાવી દેવામાં આવશે તો તે શિવાજી મહારાજનું અપમાન થશે. વૃઘ્ધો, અપંગો અને બાળકોને જો આ કિલ્લાનાં દર્શન કરવા હોય તો તે માટે ડોલીની વ્યવસ્થા છે જ. તેમના બહાને જો રોપવે ઊભો કરી દેવામાં આવશે તો ૯૦ ટકા આળસુ શ્રીમંતો અહીં અમનચમન કરવા આવી ચડશે અને પોતાના ધનનંુ બીભત્સ પ્રદર્શન કરશે


ભારત સરકારનું ‘પ્રવાસન મંત્રાલય’ દેશમાં પ્રવાસીઓને આકર્ષવા હડકાયું થયું છે. આ મંત્રાલય ભારતમાં વઘુ ને વઘુ વિદેશીઓ આવે તે પ્રકારની યોજનાઓ બનાવે છે. વિદેશીઓ સૂંડલામોઢે આવે, ડોલરો ખર્ચે અને આપણને વિદેશી હૂંડિયામણ મળે. વિદેશીઓની માગ અને ટેવ પ્રમાણેની ખાસ સુવિધાઓ પણ ટૂરીઝમ ડેવલેપમેન્ટના ઓઠા તળે ઊભી થાય છે. ખાસ સુવિધાઓ એટલે નાનીમોટી હોટેલોથી માંડીને ફાઇવસ્ટાર હોટેલો, વેજ-નોનવેજ ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂડ પીરસતાં રેસ્ટોરાં, દારૂના બાર, કેસિનો, થિયેટરો, વિડિયો પાર્લર, વિમાની મથકો, છેક સુધી જતી ડામરની સડકો, રેલવે, રોપ-વે, મોટરકાર, બસસેવાઓ વગેરે. ટુરીઝમ ડેવલપમેન્ટના જોડે જોડે ચાર બીઃબાઇ (વેશ્યાવૃત્તિ), બાટલી (દારૂ), બિરિયાની (માંસાહારી) અને બાજી (જુગાર)ની પણ બોલબાલા વધે છે. નાનાં-મોટાં પ્રવાસધામો-યાત્રાધામો આ વિષચક્રનાં ભોગ બને છે. શરૂઆતમાં સ્થાનિક લોકો વિકાસની ભ્રમણામાં રાચી ખુશ થાય છે, પણ પછી આઠ-દસ વર્ષે ‘લોભામણા છળ’ની વાસ્તવિકતા સામે આવે છે.


સરેરાશ ભારતીય પ્રજા પ્રવાસધામો કરતાં યાત્રાધામો પર વઘુ જતી હોય છે. આથી લોભાઇને યાત્રાધામોને વિકાસની ચૂડેલની ઝપટમાં લેવાનું શરૂ કરાયું છે. વિકાસની આ હડફેટમાં વૈષ્ણોદેવી, હરિદ્વાર, પુષ્કર, માઉન્ટ આબુ, ખજૂરાહો, સિંહગઢ, પાવાગઢ આમ ઘણાંનો સમાવેશ થાય છે. આ યાત્રાધામોની કેવી હાલત થઇ છે તેની વિગતો હૈયામાંથી હાય ઉપજાવનારી છે.


ઉપરોક્ત સ્થળોએ પહેલાં પાકી સડકો તૈયાર થઇ અને ક્યાંક રોપ-વે પણ થયો. ત્યાર બાદ હોટેલો અને રેસ્ટોરાં શરૂ થયાં અને પછી બાઇ, બાટલી અને બાજીનું વિષચક્ર શરૂ થયું. મઘ્ય પ્રદેશનું ખજૂરાહો પવિત્ર હિંદુ મંદિરોથી શોભતું તીર્થ છે, પરંતુ પ્રવાસનમંત્રાલયે ખજૂરાહોને સમગ્ર દેશ તથા વિદેશમાં ઉન્નત કામશિલ્પો ધરાવતા મહાન સ્મારકો તરીકે પ્રસિઘ્ધ કરી મૂક્યું છે. પૈસા કમાવવાની લાયમાં આ બઘું થાય છે. કામશિલ્પો જોવા વિદેશીઓનાં ટોળેટોળાં ખજૂરાહો ઊતરી આવે છે. વિદેશીઓની માગને સંતોષવા અહીં હોટલો-રેસ્ટોરાં અને દારૂના બાર શરૂ થયાં અને પ્રવાસનમંત્રાલય હવે કાઠમંડુની જેમ ખજૂરાહોમાં કાયદેસરનો કેસિનો (જુગારખાનું) શરૂ કરવાનું છે. ઉપરાંતગેરકાયદેસરની કોલગર્લ સેવા તો અન્ય સ્થળોની જેમ અહીં પણ ફૂલીફાલી છે જ.


ગુજરાતમાં દારૂબંધી છે તથા હિમાલયનાં કેટલાંક યાત્રાધામો પર માંસાહારબંધી છે. તે સિવાય દેશના મોટા ભાગનાં યાત્રાધામો પર દારૂ અને માંસાહાર સામાન્ય બની ગયાં છે, કેમ કે તેને કાયદેસર પડકારી શકાતા નથી.


ગુજરાતનાં મોટા ભાગનાં યાત્રાધામોમાં દારૂ, જુગાર,વેશ્યાવૃત્તિનાં દુષણો અત્યારે પણ છે. યાત્રાધામોનો ખરેખરો વિકાસ કરવો હોય તો આ દૂષણોને કોઇ પણ ભોગે હટાવવાં જોઇએ. ં આરસપહાણોની ખાણો વધતાં બેરોજગાર બનેલા આદિવાસીઓની સ્ત્રીઓ-બહેનો પાપી પેટ ભરવા અંબાજીનાં વેશ્યાલયોના અડ્ડામાં આવે છે તે જાણીને સહુકોઇને આઘાત લાગે.અંબાજીના ગબ્બર પર ચડવાના નાકે બેરોકટોક રીતે જુગાર રમાતો હોય છે. પોલીસની રહેમનજર હેઠળ આ બઘું થતું હોય છે. યાત્રાધામોને ખરેખરા અર્થમાં પવિત્રતા બક્ષવી હોય તો કડક હાથે આ બંધ કરાવવું જોઇએ. રોપ-વે જેવા રસ્તાઓ તો આવાં દૂષણોને મોકળું મેદાન પૂરૂં પાડશે તેમાં બે-મત નથી.


ગિરનારમાં કુલ ૫૦૦૦ પગથિયાં છે. ૩૫૦૦ પગથિયાં ચડી જૈન યાત્રાળુઓ ભગવાન નૈમિનાથના ચરણે મસ્તક નમાવે છે. પછીનાં ૧૫૦૦ પગથિયાં ચડતાં અંબિકાનું પ્રસિદ્ધ મંદિર આવે છે. આ ઉપરાંત ગુરૂ ગોરખનાથ, દત્તાત્રેય, મા કાલકા વગેરે ટૂંકોએ તથા સહસાવન, ભરતવન, વગેરે જગ્યાઓએ યાત્રાળુઓ યાત્રા કરે છે. દરેક સ્થળોએ જતા યાત્રાળુઓને પુષ્કળ થાક લાગે છે એ વાત સાચી, પણ કષ્ટ સહન કરીને પૂર્ણ કરેલી યાત્રાના આનંદમાં સઘળો થાક ભૂલાઇ જાય છે. જૂનાગઢ-ગિરનારની મુલાકાતે આવનારા લોકોમાંથી ૯૫ ટકા લોકો ગિરનારની યાત્રા પગથિયાં ચડી પૂર્ણ કરે છે. બે ટકા યાત્રાળુઓ ડોળી દ્વારા ગિરનાર ચડે છે. અને પૈસા ન ખર્ચી શકનાર (ડોળીના) વૃદ્ધ અને અશક્ત હોય તેવા માંડ ત્રણ ટકા મુલાકાતીઓે તળેટીથી દર્શન કરી પાછા વળી જાય છે.


હવે ગિરનાર રોપવેને લીધે જુનાગઢ આવતા પર્યટકોની સંખ્યામાં વાર્ષિક ૨૦ લાખનો વધારો થવાનો અંદાજ છે. જેના થકી વાર્ષિક રૂા ૧૦૦ કરોડની આવક થશે. અને તેનાથી અનેકને રોજગારી પણ મળશે.
રોપ-વે થયા બાદ ગિરનારની ટોચ પર બિરાજતા અંબાજી માતાજી મંદિર સુધી પહોંચતા ૯ મિનિટ થશે. આમ, હવે પર્વત સર કરવા માટે કલાકો નહિ લાગે. ગિરનાર રોપવેની લંબાઈ અંદાજે ૨.૨૩ કિલોમીટરની રહેશે. રોપવે દ્વારા કલાકમાં ૫ હજાર જેટલા પેસેન્જરોને લઈ જઈ શકાશે. ગુજરાતમાં કાલીદેવી (પાવાગઢ), અંબાદેવી (અંબાજી) બાદ ત્રીજો રોપવે હશે. જયારે દેશભરમાં ૮ રોપવે છે.


ભલે રોપ-વેની એન્ટ્રી યાત્રાધામના વિકાસને નામે કરાવાતી હોય, પણ ખરેખર તો એ ટૂરીઝમ વિકાસનું આયોજન છે. સ્થાનિક પ્રજામાં વિરોધનો સૂર ન ઊઠે તે માટે પ્રવાસનમંત્રાલય દ્વારા ઘણાં પ્રલોભનો અપાયાં છે. જૂનાગઢમાં ઇન્ડસ્ટ્રીનો વિકાસ થયો નથી તેથી જૂનાગઢ પછાત છે. જૂનાગઢને વિકાસને પંથે લઇ જવું હોય તો યાત્રાધામ ગિરનારને બલિનો બકરો બનાવવાની કોઇ જરૂર નથી.


રોપ-વેની પૂંઠે શું છે ? ગિરનાર હિલસ્ટેશનમાં ફેરવાઇ જશે. રોપ-વે આવતા ટુરિસ્ટો વધશે. ગિરનારનાં જંગલોને પણ તેથી નુકસાન થશે. ગિરનારનાં જંગલોના વિસ્તારમાં સરેરાશ વાર્ષિક ૪૦થી ૬૦ ઈંચ વરસાદ પડે છે. અહીં જળપ્રવાહો બારે માસ વહેતા નથી. સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચતો હોય છે. ગિરનારની વિશેષતા એ છે કે અન્ય જંગલોમાં જોવા ન મળે તેવી વનસ્પતિ કે અલભ્ય જડીબુટ્ટીઓ પણ અહીં થાય છે. જંગલ ખાતા દ્વારા વૃક્ષો કપાતાં અટકાવ્યા બાદ સંરક્ષણાત્મક પગલાં લેવાથી પાંખાં થઇ ગયેલાં વનો ગાઢ બન્યાં છે.


ગિરનારનો પથ્થર વિશ્વના ઉત્તમ ગ્રેનાઇટમાંનો એક છે. આ પથ્થર ખોદીને તેમાંથી કોન્ક્રીટ બનાવતી ક્વોરીઓ અને ક્રશરો સામે થોડાં વર્ષો પહેલાં આંદોલન કરીને જૂનાગઢના ધારાસભ્યએ ખાણકામ બંધ કરાવી ગિરનારની ભૂસંપત્તિ અને વનસ્પતિ બચાવવાનો સફળ અને સ્તુત્ય પ્રયાસ કર્યો હતો. ગિરનારમાં જંગલો હેમખેમ છે. પર્યાવરણ સચવાયું છે તેથી ઘણી વાર જૂનાગઢને ‘ગ્રીન સિટી’ કહેવાય છે. રોપ-વે વાયરોની સાથે અહીં ટુરીઝમનો વિકાસ થશે તો૨૦-૨૫ વર્ષમાં પર્યાવરણની પણ એવી માઠી દશા થશે કે હરિયાળું જૂનાગઢ શહેર ભૂતકાળની વાત થઇ જશે.


સોસાયટી ફોર એન્વાયરનમેન્ટ પ્રોટેકશનના અહેવાલ પ્રમાણે રોપ-વે થયા પછી તંત્રની બેદરકારીને લીધે પાવાગઢની રમણીયતા અને મહત્તાની જાળવણી પર્યાવરણવાદીઓ, પુરાતત્વવિદો માટે ચિંતાનું કારણ બની રહી છે. અહીં ગેરકાયદે ઝાડ કાપવાની પ્રવૃત્તિ વેગવાન બની છે. રસ્તાઓમાં ઠેરઠેર પ્લાસ્ટિક બેગો, ખોખાં, કૂડો-કચરો જોવા મળે છે. પાવાગઢમાં ખુલ્લેઆમ બિયર પણ વેચાય છે. ગિરનારની દશા જો પાવાગઢ જેવી ન કરવી હોય તો રોપ-વે બનાવ્યા પછી સરકારે ખાસ એવી કાળજી લેવી જોઈએ જેથી આ તીર્થ સ્થળે ગંદકી ન થાય અને પર્યાવરણ જોખમાય નહીં.


Latest Tweets