Saturday, April 16, 2011

પ્રભુ મહાવીરસ્વામી ગુજરાત આવ્યા હતા



>>શત્રુંજય તીર્થ ઉપર ઉપદેશ પણ આપ્યો હતો
>>આજે ભગવાન મહાવીરના ૨૬૧૦મા જન્મકલ્યાણકની ઉજવણી થશે
>>અમદાવાદમાં ૪૦૦ વર્ષ પ્રાચીન મોટા મહાવીર સ્વામીનું દેરાસર પ્રખ્યાત
>>વિશ્વભરમાં મૂળ નાયક મહાવીરસ્વામીનાં હજારો દેરાસર છે

તા.૧૬મી એપ્રિલના રોજ ભગવાન મહાવીરના ૨૬૧૦મા જન્મકલ્યાણકની દેશભરમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે, ત્યારે ગુજરાતમાં ભગવાન મહાવીરસ્વામી પધાર્યા હતા. એટલું જ નહીં વિશ્વભરના જૈનોની આસ્થાના કેન્દ્રસમા શત્રુંજય તીર્થ ખાતે તેમણે ઉપદેશ પણ આપ્યો હતો.

આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ને વિગતો આપતાં જૈન મુનિ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે, ૩૦ વર્ષની વયે દીક્ષા લેનારા ભગવાન મહાવીરસ્વામી કેવળ જ્ઞાન પછી ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવ્યા હતા, જ્યાં વિશ્વભરના જૈનોની આસ્થા જોડાયેલી છે એવા અનંતસિદ્ધોના ધામરૂપ શત્રુંજય તીર્થની સ્પર્શના કરવા માટે પધાર્યા હતા.

એટલું જ નહીં તેમણે શત્રુંજય તીર્થના જે સ્થળે ઉપદેશ આપ્યો હતો એ શત્રુંજય તીર્થના જુના રસ્તા વચ્ચે આજે પણ સચવાયેલું છે, જે મહાવીરસ્વામી ભગવાનની દેરી સ્વરૂપે છે. તેમણે જણાવ્યું કે, પ્રભુ મહાવીરસ્વામીએ દુનિયાને અહિંસા તેમજ પારદર્શી આચાર-વિચાર વગેરેનો બોધ આપ્યો છે. ગૃહસ્થ જીવનમાં રહીને પાળી શકાય એવા નાના નિયમો અણુવ્રત રૂપે રજુ કર્યા છે. મહાવીરસ્વામીના કઠોર આચારમાર્ગમાં કિઠન તપશ્વર્યા એ પણ પ્રધાન અંગ છે.

તેમણે જણાવ્યું કે,વિશ્વભરમાં તેમના હજારો દેરાસર છે. પાવાપુરી તેઓની નિવૉણભૂમિ છે. અહીં વર્તમાન સમયમાં પ્રસિદ્ધ જલમંદિર આવેલું છે. રાજસ્થાન બિજાપુર પાસે આવેલું રાતા-મહાવીર, રાણકપુર-રાજસ્થાન ખાતે આવેલું મૂછાળા મહાવીર અને અમદાવાદ-રાજનગર ખાતે પતાસા પોળમાં આવેલું મહાવીર સ્વામીનું પ્રાચીન જિનાલય અમદાવાદના લોકો માટે પરમ શ્રદ્ધાનું કેન્દ્ર છે. લગભગ ૪૦૦ વર્ષ પ્રાચીન આ દેરાસર છે, જેને મોટા મહાવીરસ્વામીના દેરાસર તરીકે ઓળખવામાં આવે છે, સાથે જ ગાંધીનગર પાસે આવેલું મહાવીરસ્વામી જૈન આરાધના કેન્દ્ર-કોબા કે જ્યાં દર ૨૨મી મેના રોજ મહાવીર સ્વામીના ભાલે ‘સૂર્ય તિલક’ થાય છે.

ભગવાન મહાવીરની હયાતીમાં નિર્મિત એકમાત્ર પ્રતિમા નાંદિયામાં

રાજસ્થાનમાં આવેલું નાંદિયા કે જેનું મૂળ નામ છે નંદી વર્ધનપુર. રાજસ્થાનના પ્રાચીન પંચતીર્થમાં નાંદિયાનો સમાવેશ થાય છે. આ તીર્થની વિશેષતા છે કે મહાવીરસ્વામી ભગવાનની હયાતીમાં તેઓની પાંચ પ્રતિમાઓ બની ચૂકી હતી, જેને જીવંત સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. તેમાંની બે ગુજરાતમાં હતી, એક સૌરાષ્ટ્ર ખાતેના મહુવામાં અને બીજી કચ્છ ભદ્રેશ્વરમાં. અન્ય ત્રણ રાજસ્થાનમાં હતી. આ પાંચમાંથી વર્તમાન સમયમાં એકમાત્ર નાંદિયામાં જ આ પ્રતિમા હયાત છે. જેને નાંદિયામાં મહાવીર સ્વામીના મોટા ભાઈ રાજા નંદીવર્ધને સ્વયં પ્રતિષ્ઠિત કરી છે.

Latest Tweets